મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પૂ.પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો

.

મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં PSVTCના તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

આદિજાતિ વિભાગ સાથે ‘પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’નું PPP મોડથી જોડાણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જનભાગીદારી સાથેના જોડાણનું પ્રમાણપત્ર PSVTCના આચાર્ય અને સંતવર્યોને અર્પણ કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતના યુવાનોમાં આ ત્રણેય ગુણો અને ક્ષમતા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આપણો યુવાન સ્કીલ, વિલ અને ઝિલના બળે પથ્થરમાંથી પાણી કાઢી શકવા સમર્થ છે એમ ગૌરવથી કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે આજે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત છે. તેમણે કહ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિગ્રી આધારિત નોકરીની આશામાં નિર્ભર રહેવાને બદલે યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટનો માર્ગ ચીંધ્યો છે, આ નવતર માર્ગ પર ચાલીને લાખો યુવાનોને કુશળ અને કાર્યક્ષમ બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનો અનુરોધ કરવાની સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણ માટે આપેલ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સહિયારા પ્રયાસોથી સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

shop